પાલનપુરથી મેહુલ જોષીની કલમે

Archive for the ‘મારી રચનાઓ’ Category

સમય

કરીને અહી હાલમાં ભેળું , જીવી જવાનો સમય છે
ને ઓ ફૂલ,ફોરમ તું વેચી શકે તો મજાનો સમય છે.

મફતમાં તમે પ્રેમપત્ર જે દીધેલા બધા માફ જાઓ,
કબૂતર હવે તો તમારે તવંગર થવાનો સમય છે.

દુઆઓ નથી લાગતી કામ સહેજે હવે તો બધાને,
ફક્ત એજ કારણ હશે કે બધે તો દવાનો સમય છે.

થઇ જે ગયા છે અહી પાંદડા સાવ જુના બિચારા,
ખરી એ જવાના કુંપળ અને આ હવાનો સમય છે.

પડે સાંજ ને ઢોલ સાથે નગારા વળી શંખ વાગે,
નથી આપ હાજર કે ઈશ્વર તમારી રજાનો સમય છે

…મેહુલ

Advertisements

સ્મરણ

તું ના મળે સ્મરણ મળે તો ચાલશે,
આંખો અશ્રુને જો છળે તો ચાલશે.

જાહેરમાં ઠંડી બની જા વેદના,
એકાંતમાં તું જો બળે તો ચાલશે.

દુઃખો મહી થાઉં ભલે હું એકલો ,
જો લોક સુખો માં ભળે તો ચાલશે.

એવું બને જો થાય પીંડા આપને,
ને દેહ મારો જો કળે તો ચાલશે.

છે શ્વાસ મારો આખરી આવી મળો,
જો આટલી ઈચ્છા ફળે તો ચાલશે.

——મેહુલ

અરીસો

મિત્રો ,આજે હું આપની સમક્ષ મારા એક કાવ્ય સંગ્રહ ”રણને તરસ ઝાંઝવાની ”ની એક કવિતા મૂકી રયો છું.જે મે મારી ૧૮ વર્ષની ઉમર માં પ્રથમ વાર લખેલી આ મારી પ્રથમ રચના છે ,આશા છે આપ સૌને ગમશે અને આનંદ આપશે …………………………..

ચહેરાથી થાકેલો અરીસો આધાર માંગે છે.
ભલે થાય દર્દ પણ સાચો ઉપચાર માંગે છે.

મંથન વિના પણ જુઓ વિષ રાખી બેઠેલું ,
મન ફક્ત અમૃતની આછી ધાર માંગે છે.

દર્દ લઇ વેચવા બેસે તો કોણ ખરીદવાનું ?
જમાનો પણ તાજગીનો સથવાર માંગે છે .

દિલમાં પડેલી તમન્નાઓ રજુ થઇ જાય ,
પણ સુકા હોઠ ભીના હોઠનો સંચાર માંગે છે .

હરક્ષણ આવ નહી આમ જવાનું કહીને ,
આ હદય પણ મારું કાયમી મુકામ માંગે છે.

હું સ્મિત દઉંને તમે પાંપણને ઢાળો જરા
લાગણી પણ મારી એવો વ્યવહાર માંગે છે .

રડતી હશે .

તેથી જ એમાં ઓટ ને ભરતી હશે.
સાગર મહીં કો’ માછલી રડતી હશે.

મંઝિલ બધાને ના મળે આ રાહમાં,
એમાં દુઆઓ પણ ઘણી ભળતી હશે.

સંગાથમાં તારા હતી કેવી સુંદર !
શું સાંજ એ રીતે હવે ઢળતી હશે.

છે હાથમાં સુખો જ તો હું શું કરું ?
મારી હથેળી એમને ગમતી હશે.

નજરો મળે આંખો ઢળે તો ઠીક છે ,
સમજીને થોડી આ ગઝલ બનતી હશે.

-જોષી મેહુલ કુમાર .આઈ
(આભાર- શબ્દ સાધના પરિવાર )

ટૅગ સમૂહ

%d bloggers like this: